છાપામાં આ વાંચી, હું રાજી રાજી…

http://timesofindia.indiatimes.com/india/Jumping-a-red-light-may-soon-cost-you-Rs-5000-cellphone-use-Rs-4000/articleshow/42401097.cms

૨૦૦૬માં અમેરિકાથી પાછાં ફરી, ફરી પાછાં અમદાવાદમાં સ્થાયી થયાં અને આખા સમાજની અંગત સ્વાર્થથી તરબોળ કલેક્ટીવ માનસિકતા (જેનાં બધાં જ પાસાં આપણા રસ્તાઓ ઉપરના ટ્રાફિકની અંધાધૂંધીમાં છતાં થાય છે) જોઈ-અનુભવી જે આઘાત લાગ્યો, એમાંથી કળ વળતાં અજાણપણે જ મનમાં આ ‘પ્રગતિ’ના આવરણ નીચે છુપાઈને ભક્ષક થઇ બેઠેલી માનસિકતાનું પૃથ્થકરણ થઇ ગયું. અને એ વખતેય – આજથી સાતેક વર્ષ પહેલાંય – એ દુષણ સામે બાથ ભીડવાનો, એને અંકુશમાં લેવાનો મને આ જ એક રસ્તો દેખાયો હતો કે બધા જ ગુનાઓ – ખાસ તો ટ્રાફિકના ગુનાઓ માટેનો દંડ સમાજના સુખી વર્ગ માટે પણ ઍક્ઝૉરબીટંટલી અનબેરેબલ (exorbitantly unbearable) થઇ જાય એટલો વધારી દેવો જોઈએ…
ટૂંકા ગાળામાં આર્થિક રીતે નીચલા સ્તરના નાગરીકો માટે મોટા પ્રશ્નો ઉભા થઇ શકે છે – થશે જ, પણ લાંબા ગાળાના કાયમી ઉકેલ માટે એ અનિવાર્ય છે. સુકા ભેગું થોડું લીલુંય બળશે જ…
અને આ આર્થિક રીતે ગરીબ લોકો તો દંડ અને જેલના ભયે પણ એમનું વર્તન બદલી જ દેશે અને જે ધીટ પ્રકૃતિવાળા નહિ બદલે એ લોકો ભોગવશે, પરંતુ આજના આ કેઑસ (chaos) માટે મોટો પ્રશ્ન આ લોકોનો નથી, પણ સમાજના સુખી લોકોનો વધુ છે જેઓ કાયદાને અને નિયમોને તો જાણે ખિસ્સામાં લઈને જ ફરે છે!… કેટલાકને ઓળખાણો અને લાગવગોનું પીઠબળ પ્રાપ્ત હોય છે, તો કેટલાકને વળી એમની જમા કરેલી પુંજીનું!… હવે, જો આ રીપોર્ટ પ્રમાણે કાયદા અમલમાં આવે તો, એમનેય આ દંડની રકમ આકરી તો પડશે જ… અને અત્યારની જે ‘અડધામાં માની જવાની’ જે પરિસ્થિતિ છે એ ન બદલાય તોય છેવટે ટ્રાફિક પોલીસના આ નીચલી કક્ષાના આ ‘અન્ડરપેઈડ’ નોકરિયાતોને મદદ થશે – ‘ઘી ઢળ્યું તો ખીચડીમાં’… સૈધાંતિક રીતે તો આ ખોટું જ છે, અને આ ભ્રષ્ટાચારને મારું ‘ઓપન ઍન્ડેડ’ સમર્થન નથી, પણ આ થોડુંક ચલાવી લેવાના ફાયદા સમાજ માટે ઘણા બધા છે, માટે અનિચ્છા છતાંય – ક-મનેય સમાધાન કરવું પડ્યું છે….
આજનું માનસ એટલી હદે કથળી ગયેલું છે અને જીવનધોરણ એટલું ઊંચું ગયેલું છે કે આ ૫૦-૧૦૦ રૂપટ્ટીનો દંડ તો સાઈકલથી ઉપરનું દરેક વાહન ચલાવનાર/વાપરનાર લગભગ દરેક વ્યક્તિને પોસાય એ વાત સમજતાં પ્રશાસનને ૧૫-૨૦ વર્ષ લાગ્યાં!!!… પણ ખેર, ‘દેર આયે દુરુસ્ત આયે’ અને ‘બેટર લેટ ધૅન નૅવર’…
જો કે હું એ ભ્રમમાં પણ નથી કે હવે બધું રૂડુંરૂપાળું થઇ જશે – આ તો માત્ર એક કામચલાઉ ઉપાય (short-term fix) જ છે. એકવાર આ નવા ધોરણો, કાયદાઓને લાગુ કર્યા પછી જ ખરું ભગીરથ કાર્ય છે : લોકોની માનસિકતા ધરમૂળથી બદલવાનું… લોકો કાયદાનું અને વ્યવસ્થાનું પાલન બળજબરીથી નહિ પણ સમાજ અને બીજા નાગરીકો તરફની પોતાની ફરજ સમજીને કરે એવો સ્વભાવ ઇન્સ્ટીલ કરવાનું… અને એ માટે સરકાર તરફથી લાંબા સમય માટે વ્યાપક જાગરૂકતા ઝુંબેશ અનિવાર્ય છે.
હું દ્રઢપણે માનું છું કે જ્યાં સુધી મોટાં પોતાનું વર્તન નહિ બદલે ત્યાં સુધી બાળકોને શાળાઓમાં ગમે તેટલું ભણાવો કે ગમે તેટલી શિખામણો આપો, એ બધું ‘દળી દળીને ઢાંકણીમાં…’ થઈને જ ઉભું રહેશે… હાલ જે પાંચેક ટકા નાગરીકો કાયદાનું નિષ્ઠાથી પાલન કરે છે એ વધીને બહુ બહુ તો દસ ટકાએ પહોંચશે, તોય ઓવરઓલ પરિસ્થિતિમાં એ સુધારો ક્યાંય વર્તાશે/દેખાશે નહિ…
જો વાલીઓ અને શિક્ષકો જ સમાજ અને બીજા નાગરીકો પ્રત્યેની પોતાની ફરજ એમના વર્તનમાં ન ઉતારતાં હોય પછી બાળકો પાસેથી એવા વર્તનની આશા કે અપેક્ષા રાખવી એને હું અનૈતિક જ નહિ માત્ર, ગુનાહિત પણ ગણું છું… અને માટે જ જ્યારે જ્યારે ટીવી ઉપર વિજ્ઞાપનોમાં કે લોકોનાં વેણ કે લખાણમાં દેશના ભવિષ્યનો બધો જ ભાર આજનાં બાળકો ઉપર થોપતા જોઉં છું કે – એક તરફ એમના દંભ ઉપર હસવું ને ગુસ્સો આવે છે તો બીજી તરફ દેશના ભવિષ્યનો આ ભાર વંઢોળતાં બાળકો ઉપર દયા ઉપજે છે…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s